# ઠોઠ કાગડો -બાળવાર્તા
- Binal Nakiya
- May 13, 2023
- 3 min read
એક જંગલ હતું. ત્યાં ઘણા બધા પશુ-પંખીઓ રહેતા હતા. ત્યાં એક ચીંંટુ નામનો કાગડો પણ રહેતો હતો. તે ભણવામાં ખૂબ નબળો હતો. તેને ભણવામાં જરા પણ રસ ન હતો. દરેક વિષયમાં તેને લાડવો (જીરો) મળતો. તેને કાયમ બધા ટીચર ક્લાસરૂમની બહાર ઉભો રાખતા. ચીંટુની સ્કુલમાં બીજા પક્ષીઓ પણ ભણવા આવતા. મોર, ચકલી, કબૂતર, ઘુવડ, પોપટ, કાબર વગેરે.
ઘુવડ ચીંટુનું બેસ્ટ ફ્રેન્ડ હોય છે. ઘુવડ આખો દિવસ સ્કૂલમાં ઊંઘ્યા કરે. ઘુવડ અને ચીંટુ કાગડો બંને છેલ્લી બેન્ચ પર બેસે. બંનેને ઇચ્છા થાય તો ક્લાસ ભરે નહિ તો સ્કુલમાંથી નાસીને નજીકના તળાવ પાસે રમવા જતા રહે. ઘુવડ ત્યાં ઘડીક રમીને આડું પડે કે સુઇ જાય અને ચીંટુ આસપાસમાંથી પથ્થર, કાંકરા વગેરે ભેગુ કરીને કંઇકને કંઇક બનાવ્યા કરે.

ચીંટુને તેના મમ્મી પપ્પા અને શિક્ષકોએ ભણવા માટે ખુબ સમજાવ્યો. ન માન્યો તો ધમકાવ્યો અને સજા પણ કરી. પણ ચીંટુ ભાઇ તો જેવા હતા તેવા. ગમે તેટલી ઘરેથી વઢ પડે તો પણ ચીંટુ આખો દિવસ રમવામાં અને મસ્તીમાં ગુલ, સહેજ પણ ભણે નહી. પણ ચીંટુને આર્ટ અને ક્રાફ્ટના વિષયમાં ખૂબ રસ. તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે ઉડીને જંગલમાં જે તળાવ હતું ત્યાં જાય ને કાંકરા, પથ્થર ભેગા કરીને કંઇક કારીગરી કર્યા કરે.
આજે પણ ઘુવડ અને ચીંટુ કાગડો તળાવના કાંઠે આવ્યા છે. ચીંટુએ ઘણા સમયથી શરૂ કરેલ કામ પુરુ કરી દીધું છે અને પથ્થરમાંથી એક સુંદર મજાનો નાનો ટાવર બનાવ્યો છે જેમાં નાના નાના પગથિયાં છે અને ઉપર ઉભા રહીને જોવાય એવી જગ્યા છે. ઘુવડ તે ટાવરને જોઇને ખૂબ જ ખુશ થાય છે.

ત્યાં તો સ્કૂલ છટતા બાકીના પક્ષીઓ પણ ત્યાં આવે છે ને આ ટાવરને જોઇને દંગ રહી જાય છે કે આટલો સુંદર ટાવર આ ચીંટુ કાગડો કઈ રીતે બનાવી શકે!!. તેના સ્કૂલના ટીચર, મમ્મી પપ્પા બધા ચીંટુને શાબાશી આપે છે. ઉડતી ઉડતી વાત જંગલના રાજા સિંહ પાસે પહોચે છે. સિંહ પણ પોતાના ફેમિલીને લઈને આ ટાવર જોવા આવે છે અને ખુબ ખુશ થાય છે. સિંહ ચીંટુને કહે છે કે તારી પાસે આ અદ્ભૂત કળા છે, હું ખૂબ ઇમ્પ્રેસ થયો છુ. તું એક કામ કર, મારી વિશાળ પથ્થરની ગુફામાં પણ આવું કંઈક બનાવ. હું તને ઈનામ આપીશ.
કાગડો તો ખુશ ખુશ થઈ જાય છે અને તેના મમ્મી પપ્પા સાથે સિંહની ગુફા જોવા જાય છે. ગુફા ખુબ જ વિશાળ હોય છે તે જોઇને કાગડો મૂંઝાય છે કે મે તો નાનો અમથો ટાવર બનાવ્યો હતો પણ આટલી મોટી ગુફામાં હું રાજાની મુર્તિ કઈ રીતે બનાવીશ?

ક્યાંથી પથ્થર લાવીશ? એનો હિસાબ કઈ રીતે કરીશ? કેટલાક પથ્થર તો અહી મળતા પણ નથી મારે બીજા જંગલમાંથી મંગાવવા પડશે. મને તો તેઓની ભાષા પણ નથી આવડતી. આ સાંભળતા ઘુવડ તેને કહે છે,” ચીંટુડા, જો તે સ્કૂલમાં થોડુંક ધ્યાન આપ્યું હોત તો તને ગણતરી કરતાં આવડતું હોત અને બાજુનાં જંગલની ભાષા પણ આપણા સિલેબસમાં છે.તે એનો એક પણ ક્લાસ ભર્યો છે?. ચીંટુને ઘુવડની વાત સાચી લાગે છે. તેને એવું સમજાય પણ છે કે થોડુંક શીખ્યો હોત તો સારું હોતું. ચીંટુ આવું વિચારતો હતો ત્યાં તો તેના ક્લાસમેટ્સ ચકલી, પોપટ, કબૂતર, મોર બધા જ ત્યાં આવે છે ને ચીંટુને કહે છે કે, સોરી ચીંટુ, તું ઠોઠ છે એવું સમજીને અમે તને બોલાવતા ન હતાં પણ તું તો અમારાથી પણ હોશિયાર નીક્ળ્યો. અમે તને મદદ કરીશું. બધા ચીંટુને મદદ કરે છે ને ચીંટુ ગુફાના દરવાજા પાસે રાજાની સુંદર મજાની મુર્તિ બનાવે છે.

રાજા ખૂબ જ ખુશ થાય છે ને ચીંટુનું બધા જંગલવાસીની હાજરીમાં સન્માન કરે છે અને પ્રાઈઝ આપે છે.
ચીંટુને હવે સમજાય છે કે તેને ભણવું એટલે નહોતું ગમતું કારણ કે તેને રસ ન હતો.પણ હવે જ્યારે આર્ટમાં તેને રસ છે તો ફક્ત આર્ટ શીખવાથી વાત નહી બને.તેણે બીજા વિષયોનું જ્ઞાન પણ લેવું પડશે. દરેક વિષય એકબીજા સાથે જોડાયેલા છે. હજુ તે શાળામાં છે ત્યારે તેને બધા વિષયને રસપૂર્વક ભણવા અને જ્યારે તે મોટો થાય ત્યાં સુધીમાં પોતાનો રસનો વિષય કાં તો શોધી લેશે નહિ તો જાણી લેશે. આવું વિચારી ચીંટુ શાળાએ જઈને ધ્યાન દઈને ભણવા લાગ્યો અને મહાન મૂર્તિકાર બનવાના સપનાં જોવા લાગ્યો.
------- બિનલ નાકિયા
Comments