#ડો.મેના#બાળવાર્તા
- Binal Nakiya
- May 12, 2023
- 2 min read
Updated: May 13, 2023
એક જંગલ હતું. જંગલમાં એક ચીંકી નામનું ચકલીનું બચ્ચું તેના મમ્મી – પપ્પા સાથે રહેતું હોય છે. ચીંકીના મમ્મી – પપ્પા ખુબ લડાઇ ઝઘડો કરતા હોય છે. જેના કારણે ચીંકી ખુબ દુ:ખી હોય છે. તે ઉદાસ રહેવા લાગે છે.

ચીંકીને આવી દુ:ખી જોતા ચીંકીની ફ્રેંડ મીન્કી જે એક કીડી હોય છે તેને કહે છે –“ તું કેમ આટલી દુ:ખી છે?” એટલે ચીંકી તેને મમ્મી પપ્પાના ઝઘડા વિશે જણાવે છે.આ સાંભળી મીંકી કીડી તેને કહે છે કે તું સહેજ પણ દુ:ખી ના થઇશ.અહી આપણા જંગલમાં એક દવાખાનું છે. ત્યાં ડો. મેના છે જે બધાના મનની દવા કરે છે ને બધાને સાજા કરે છે.તું પણ તારા મમ્મી પપ્પાને ત્યાં લઇ જા. એટલે ચીંકી તેની પાસેથી હોસ્પિટલનું સરનામું લે છે ને તેના મમ્મી પપ્પાને ડો. મેના પાસે લઇ જાય છે.

ડો. મેના પુછે છે કે, શું તકલીફ છે?. એટલે ચીંકી કહે છે કે, ડોક્ટર મેડમ મારા મમ્મી પપ્પા બંને ખૂબ જ લડાઇ-ઝઘડા કરે છે. મારા પર ગુસ્સે થાય છે અને હંમેશા એકબીજાથી નારાજ રહે છે.
ડો. મેના: સારુ.એમ વાત છે. આ તો ખુબ ગંભીર રોગ છે. મમ્મી પપ્પાએ તો હંમેશા આનંદી, ખુશમિજાજી અને પ્રફુલ્લિત રહેવું જોઇએ. પણ કાંઇ નહી.તું ચિંતા ના કરીશ. આજ-કાલ નાના કુટુંબ (એટલે કે જેમા ફક્ત મમ્મી પપ્પા અને બાળક જ રહેતા હોય.દાદા-દાદી,અંકલ-આંટી,ભાઇ-બહેન સાથે ના રહેતા હોય )માં આ રોગ ખૂબ જ સામાન્ય થઇ ગયો છે. પણ હું દવા આપું છું. હું
બંનેને એક એક હસવાનું ઇંજેક્શન આપું છું જેથી હવે તે ચીં ચીં નહી કરે પણ હી-હી કરશે.
ચીંકી : સારુ ડોક્ટર મેડમ. તમે એમની ઝડપથી સારવાર કરો અને બસ તેમને સાજા કરો.
ત્યારબાદ ડો.મેના બંને ચકી-ચકાને એક એક હસવાનું ઇંજેક્શન આપે છે અને અઠવાડિયા પછી ફરી બતાવવા આવવાનું કહે છે.

અઠવાડિયા પછી ફરી ચીંકી ચકા-ચકીને ફોલો અપ માટે ડો. મેના પાસે લઇ જાય છે. ડો.મેના બંનેને ચેક કરે છે અને ચીંકીને તેમના રોગના લક્ષણો વિશે પુછે છે.
ચીંકી: ડોક્ટર મેડમ, પહેલા કરતા ઘણું સારું છે.હવે બંને હસીને મારી સાથે વાત કરે છે.અમે સાથે જમીએ છીએ. પણ હજુ બંને મારી સાથે સમય પસાર કરતા નથી.

ડો. મેના:સારુ. આજે હવે હું તેમને રમવાનું ઇંજેક્શન આપું છું. હવે ૧૫ દિવસ પછી બતાવવા આવજો. ત્યાં સુધી તેમના લક્ષણો પર નજર રાખતી રહેજે.
ચીંકી :સારુ ડોક્ટર મેડમ.
ત્યારબાદ ડો.મેના બંને ચકી-ચકાને એક એક રમવાનું ઇંજેક્શન આપે છે ને રવાના કરે છે.
ઇંજેક્શન લીધે ૧૫ દિવસ થઇ ગયા છે. ચીંકી તેના મમ્મી પપ્પા સાથે ફરી ડો. મેનાને મળવા આવે છે. આ વખતે ત્રણેય ખુબ ખુશ હોય છે. ડો. મેનાને પણ રાહત થાય છે કે દવા અસર કરી રહી છે.
ડો. મેના :ચીંકી મે બંનેના મન તપાસી લીધા છે. બધું બરાબર છે. હવે કોઇ તક્લીફ નથી. હવે દવા લેવાની જરૂર નથી. બસ, વરસ પછી એક બુસ્ટર ડોઝ લેવા આવવાનું રહેશે.અને જ્યારે જ્યારે કંઇ તકલીફ થાય તો આ એક હસવા રમવાની દવા લખી આપું છું તેને ધીરજ અને શાંતિ સાથે લઇ લેવી એટલે નાનો સુની તકલીફ હશે તો તરત મટી જશે.
ચીંકી : આપનો ખુબ ખુબ આભાર,ડોક્ટર મેડમ.
નાનકડો દક્ષ પોતાની પથારીમાં પડયો પડયો સુવાના સમયે ડો. મેનાની આ વાર્તા વાંચતો હતો ને વિચારતો હતો વાહ! મને પણ આવા ડો. મેના મળી જાય તો કેવું સારું! આ ચીં ચીં તો બંધ થાય.
-----બિનલ નાકિયા
댓글