#તોફાની છોટુ-બાળવાર્તા
- Binal Nakiya
- May 13, 2023
- 3 min read
સોનપુર નામના ગામમાં છોટુ અને ફેની નામના બે મિત્રો રહેતાં હતાં. ગામની પાસે એક જંગલ હતું.એક દિવસ છોટુને એક આગીયો મળે છે. છોટુ તેને પકડીને કાચની બોટલમાં પુરી દે છે. ફેની આ આગીયાને બોટલમાંથી બહાર છોડી મૂકવા કહે છે પણ છોટુ તેની વાત નથી માનતો. છોટુ ખૂબ તોફાની હોય તેને આગીયાને હેરાન કરવામાં મજા આવે છે.

આગીયો ખૂબ દુ:ખી અને ડરેલો હોય છે. આ બધુ જોઇ ફેનીને છોટુ પર ગુસ્સો આવે છે અને આગીયા પર દયા આવે છે. ફેની છોટુની મમ્મીને આ વાત જણાવે છે.છોટુની મમ્મી છોટુ પર ખૂબ ગુસ્સે થાય છે અને આગીયાને છોડી દેવાનું કહે છે. મમ્મીના ગુસ્સાથી ડરીને છોટુ આગીયાને છોડી મૂકે છે.
એક સાંજે છોટુ અને ફેની ઘર પાસે રમતાં હોય છે. ત્યાં એક સુંદર મજાનું રૂની પૂણી જેવું સસલાનું બચ્ચું આવે છે. છોટુ તેને પકડવાની કોશીશ કરે છે. સસલું ડરીને જીવ બચાવવા જંગલ તરફ દોડે છે. છોટુ પણ તેની પાછળ જંગલમાં જાય છે. ફેની છોટુને જંગલમાં જતા રોકે છે કારણકે રાત થવા આવી હોય છે. પણ છોટુ ક્યાં કોઇનું સાંભળે છે. એતો ખૂબ જિદ્દી. તેને કોઇ પણ હીસાબે તે સસલાના બચ્ચાને તેનુ પેટ એટલે કે પાલતુ બનાવીને પોતાના ઘરે પાંજરામાં રાખવું હોય છે એટલે છોટુ સસલાની પાછળ પાછળ જંગલમાં જાય છે.
ઘણી ભાગમભાગ કર્યા પછી તે સસલાના બચ્ચાને પકડી લે છે અને ખુશ થાય છે. પણ આ શું? છોટુને તેની ચારેય તરફ માત્ર ઝાડ ને ઝાડ જ દેખાય છે.સસલાને પકડવાની લાલસામાં છોટુને ભાન જ ના રહ્યુ કે તે સસલાની પાછળ-પાછળ જંગલમાં ખુબ અંદર સુધી આવી ગયો છે.કઈ બાજુ જવાનું તે હવે તેને સૂઝતું નથી. છોટુ સસલાને હાથમાં પકડીને ઘડીક આ બાજુ દોડે છે તો ઘડીક બીજી બાજુ.

હવે અંધારુ વધુ ઘેરાઈ રહ્યું છે, છોટુને રડું આવે છે અને ડર પણ લાગે છે. જંગલમાંથી આવતા અવાજ સાંભળીને છોટુ જોર જોરથી રડવા લાગે છે. એટલામાં જ ત્યાં છોટુને દૂરથી કંઈક ટમટમટું ટપકું દેખાય છે જે તેની તરફ આવી રહ્યું હોય છે. ઘડીક તો તે ટમટમતો પ્રકાશ છોટુની આજુબાજુ ફરે છે. પછી ઘણા બધા ટમટમતા ટપકાં જોડાઈને વીજળીના બલ્બની જેમ પ્રકાશ પાડે છે. હવે છોટુને થોડુંક ઝાંખુ ઝાંખુ જંગલ દેખાય છે. છોટુને થોડીક રાહત થાય છે.
હવે એ ટમટમતા ટપકાં હવામાં આગળ ચાલવા લાગે છે. છોટુ પણ તેમની પાછળ પાછળ જાય છે.છોટુ રડતો જાય, મમ્મી........પપ્પા......... એવી બૂમો પાડતો જાય ને ચાલતો જાય છે. અમુક સમય ચાલ્યા પછી છોટુનેય સામેથી અવાજ સંભળાય છે જાણે કોઈ તેના નામથી તેને બોલાવી રહ્યું હોય. છોટુને હવે ફેનીનો અવાજ પણ સંભળાય છે. આખરે છોટુને મમ્મી પપ્પા અને ફેનીનો ભેટો થઈ જાય છે જે તેને શોધવા નીક્ળ્યા હોય છે.
છોટુ તેની મમ્મીને ભેટીને રડવા લાગે છે અને કહે છે, મમ્મી હું આ સસલાને પકડવા જંગલમાં ગયો ને ખોવાઈ ગયો પણ મને એક ટમટમતા પ્રકાશે અહીં સુધીનો રસ્તો બતાવ્યો. ત્યાં જ ફેની તેની મુઠ્ઠીમાં કંઈક લઈને આવે છે અને મુઠ્ઠી ખોલીને બતાવે છે કે આ રહ્યું તારું ટમટમટું ટપકું. ત્યાં તો એક આગિયો છોટુની ફરતે ચમકતી પાંખે ફરવા લાગે છે.

તે એ જ આગિયો હોય છે જેને છોટુએ કાચની બોટલમાં પૂરી દીધો હતો.છોટુ આગિયાને સોરી કહે છે અને તેના માતા-પિતાને પણ સોરી કહેતા કહે છે કે હવે તે બીજા કોઈ જીવ-જંતુને હેરાન નહી કરે અને એમ કહીને સસલાને પણ છોડી દે છે.
બીજા દિવસે છોટુ ને ફેની રમતા હોય ત્યાં પેલું સસલાનું બચ્ચું આવી ચઢે છે. ફેની તેને ગાજર ખાવા આપે છે. સસલુ પણ ખુશ થઈને છોટુ અને ફેની સાથે રમે છે. ત્યારે છોટુને સમજાય છે કે તેણે રમવા માટે પેટ(Pet)ને કેદ કરવાની કે પાંજરામાં પૂરવાની જરૂર નથી. બસ તેને મિત્ર બનાવી લો તો તે પણ તમારુ મિત્ર બની જશે.
------ બિનલ નાકિયા
Comments