#ભોલુ મગર-બાળવાર્તા
- Binal Nakiya
- May 13, 2023
- 3 min read
ભુગુપુર નામે એક ગામ હતુ.ગામમાં એક તળાવ હતુ.તળાવ વચ્ચે એક ટેકરો હતો.તળાવમાં ઘણા બધા મગર રહેતા હતા.મગર પોતાના ઇંડા ટેકરા પર રાખે.બચ્ચા થાય એટલે લઇ જાય.તે તળાવમાં મગરોનો રાજા ક્રોકો રહેતો હતો.એક દિવસ ટેકરા પર એક ઇંડુ ફુટે છે પણ તેમાથી નીકળેલ બચ્ચુ ભુલથી તળાવના બીજા કિનારે જતુ રહે છે જે બાજુ માણસોની વસ્તી હોય છે તથા ગામ વસેલુ છે.
ગામના લોકો જે બાજુ મગર રહે છે તે બાજુ ન જાય અને મગર જે બાજુ ગામ વસેલુ છે તે બાજુ ના આવે.પણ એક બચ્ચુ ભુલથી ગામ બાજુના તળાવના કિનારે પહોચી જાય છે.ત્યાં તેને એક આઠ વર્ષની છોકરી જીની મળે છે.જીનીને તે મગરનુ બચ્ચુ જોતાવેંત જ ખુબ પ્યારુ-પ્યારુ લાગે છે એટલે જીની તેને છુપાઇને ઘરે લઇ જાય છે.તેના રુમમાં રાખે છે.તેને લાડુ,રોટલી,આઇસક્રીમ,ભજિયા બધુ ખવડાવે છે.

એક દિવસ જીનીના પપ્પા મગરને જોઇ જાય છે.જીનીના પપ્પા તેને સમજાવે છે કે મગર ખુબ જ ખતરનાક હોય અને આ બચ્ચાનાં મમ્મી-પપ્પા તેને શોધતા હશે.એટલે જીની અને તેના પપ્પા મગરના બચ્ચાને તળાવમાં પાછુ છોડી આવે છે,તે જોઇને જીની ખુબ જ દુ:ખી થઇ જાય છે.
આ બાજુ મગરનું બચ્ચુ તળાવમાં જઇને તેના માતા-પિતાને મળે છે.તેના માતા-પિતા તેનુ નામ ભોલુ રાખે છે.તે મગરનું બચ્ચુ ભોલુ એ મગરના રાજા ક્રોકોનું બાળક હોય છે એટલે કે રાજકુમાર હોય છે.તેના પપ્પા(રાજા ક્રોકો )ભોલુને ખુબ જ ખૂંખાર અને ખતરનાક શિકારી બનાવવા માંગતા હોય છે.એટલે રોજ તેને માછલીનો શિકાર કરવા લઇ જતા હોય છે.જ્યારે ભોલુનો શિકાર કરવાનો વારો આવે ત્યારે તે ખાલી ખાલી માછલીને મોઢામાં મુકી રાખે અને પછી ધીમેથી કોઇની નજર ના પડે તેમ માછલીને છોડી દે છે.હકીકતમાં ભોલુ મગર વેજીટેરીયન હોય છે.જીની -ભોલુ ની ફ્રેન્ડ તેના માટે દરરોજ જમવાનુ લઇને આવે છે.ભોલુ દરરોજ તળાવના કિનારે જીનીને મળે ને બધુ વેજીટેરીયન ફૂડ જમે છે.
એક દિવસ ભોલુના કાકા આ જોઇ જાય છે કે ભોલુ એક માણસના બાળકને મળે છે.ભોલુના કાકા તેના પપ્પાને જણાવી દે છે.ભોલુના પપ્પા તેનુ તળાવની સામેની બાજુ જવાનુ બંધ કરાવી દે છે.આ તરફ ભોલુ તળાવ કિનારે જમવા ના આવતા જીનીને ચિંતા થાય છે એટલે જીની તળાવની જે બાજુ મગર રહેતા હોય છે તે બાજુ ભોલુને શોધવા જાય છે.ભોલુના કાકા તેને જોવે છે અને રાજા ક્રોકોને કહે છે.રાજા બધાની એક મીટીંગ બોલાવે છે.તળાવમાં બધા જળચર એકઠા થાય છે ત્યારે ભોલુના કાકા કહે છે કે માણસોએ શાંતિ સંધિનો ભંગ કર્યો છે આપણા કિનારે આવીને.

ભોલુને આ વિશે કંઇ ખબર નથી.તે આના વિશે પૂછે છે ત્યારે ખબર પડે છે કે વર્ષો પહેલા મગર અને માણસો વચ્ચે સંધિ થઇ હોય છે કે બંનેએ એકબીજાની સીમામાં ઘૂસવુ નહિ ને એક બીજાને મારવા નહિ.જો કોઇ આ સંધિનો ભંગ કરે તો સામો પક્ષ તેને મારી શકે.ભોલુના કાકા કહે છે કે આ માણસના બાળકે શાંતિ સંધિનો ભંગ કર્યો છે ને આપણી સીમામાં ઘૂસણખોરી કરી છે એટલે હુ તેને મારીને ખાઇ જઇશ એમ કહીને જીનીને મારવા જાય છે.
આ તરફ જીનીના પપ્પા જીનીને શોધતા ત્યાં તળાવ કિનારે આવી ચડે છે.તે જીનીને જોઇને કહે છે કે તુ અહીં શું કરે છે આ જગ્યા ખુબ જ ખતરનાક છે.અહીં ખૂંખાર મગર રહે છે જે આપણને ફાડી ખાશે,તુ અહીંથી જલદી ચાલ.જીની અને તેના પપ્પા નીકળતા જ હોય છે ત્યાં જ ભોલુના કાકા આવી ચડે છે ને જીનીને ખાવા માટે તેની તરફ દોડે છે,જીનીના પપ્પા જીનીને બચાવવા મગર જોડે ઝપાઝપી કરે છે,મગર બીનીના પપ્પાનો પગ પકડી લે છે ને ખેંચીને તેમને તળાવના પાણીમાં લઇ જાય છે.એટલામાં જ રાજા ક્રોકો અને ભોલુ ત્યાં આવી ચડે છે.
રાજા ક્રોકો ભોલુના કાકાને કહે છે કે તે જીનીના પપ્પાને છોડી દે નહિ તો તેમને આ તળાવ છોડવુ પડશે.પહેલા તો ભોલુના મગર કાકા માનતા નથી પરંતુ રાજા ક્રોકો આખરી ચેતવણી આપે એટલે છોડી દે છે.પછી ભોલુ બધી હકીકત જણાવે છે કે જીનીનો કોઇ વાંક નથી.પોતે વેજીટેરીયન છે એટલે જીની તેને જમવાનુ આપવા આવતી હતી.તે જમશે નહી તો મરી જશે.તળાવમાં તેને ખાવાલાયક કશું જ નથી.પછી જીની ભોલુને જમાડે છે.

ક્રોકો રાજા અને ભોલુના કાકા તળાવમાં પાછા જતા રહે છે.જીનીના પપ્પા આ બધુ જોવે છે ને જીનીને કહે છે કે હવે મગરે જમી લીધુ હોઇ તો આપણે ઘરે જઇયે?જીની ભોલુને પોતાની સાથે લઇ જવાની જીદ કરે છે.ત્યારે જીનીના પપ્પા તેને સમજાવે છે કે બેટા આ મગરનુ બચ્ચુ હજી નાનુ છે એટલે વાંધો નથી.પરંતુ જ્યારે તે મોટો મગર બનશે ત્યારે તે એના સ્વભાવ પ્રમાણે આપણને મારવાની કે ખાવાની કોશિશ કરશે.જેથી હુ તેને આપણી સાથે રહેવાની મંજૂરી નહી આપુ.

ત્યારે જીની ભોલુને મોઢુ ખોલી તેના પપ્પાને બતાવવાનુ કહે છે.જેવુ ભોલુ મોઢુ ખોલે તેના પપ્પા સરપ્રાઇઝ થઇ જાય છે કારણકે ભોલુને દાંત જ નથી હોતા.ભોલુ જન્મથી જ બોખો હોય છે.પોતે બોખો છે તે જાણતા જ તે એ ટેકરો છોડીને ગામ બાજુ આવ્યો હોય છે જેથી તેના મમ્મી-પપ્પા દુ:ખી ના થાય અને જીનીએ તેને બચાવ્યો હોય છે.
આ સાંભળી જીનીના પપ્પા જીનીને છુટ આપે છે કે ભોલુ જ્યાં સુધી થોડો મોટો ના થઇ જાય,પોતાની સંભાળ જાતે ના કરતો થાય ત્યાં સુધી જીની અહીં તળાવ કિનારે આવીને જમાડી શકશે.અને તેની સાથે રમી શકશે.આ સાંભળી જીની અને ભોલુ બંને ખુશ થઇ જાય છે.બંને દરરોજ ખાઇ-પીને મજા કરે છે.એકબીજા સાથે ખૂબ મસ્તી કરે છે.વાર્તા પૂરી.
--------બિનલ નાકિયા
Comentários